છોટાઉદેપુર : જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા.
છોટાઉદેપુર : જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા.
શિક્ષકો દેશના ભવિષ્યના નિર્માણના પાયાના પથ્થરો : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ
છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવ્યા.
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં પ્રત્યેક વર્ષે તા.૫ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકોના યોગદાનને સન્માનવા ઉજવાતા શિક્ષક દિનના રોજ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવે છે. આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને દરબાર હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે જિલ્લાના તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવીને શિક્ષકો દેશના ભવિષ્યના નિર્માણના શિલ્પકાર હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માતા સિવાય બાળકોમાં રહેલા ગુણોને ફક્ત શિક્ષકો જ ઓળખી શકે છે. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો કરે છે.
શ્રી મલકાબેને વધુમાં જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લો શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધી રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓ થકી છેવાડાના લોકોને પણ ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. શિક્ષકો માનવ ઘડતરનું કાર્ય કરે છે, જેને બિરદાવવા આજે ૧૩ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે.

ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ આ તકે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, બાળકોને કેળવવાનું કાર્ય શિક્ષકો કરે છે. આ સદી જ્ઞાનની સદી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વિઝન આપ્યું છે. આ વિઝનને સાર્થક કરવા અને દેશને વિશ્વગુરુ બનાવવા માટે આપણે તમામ ક્ષેત્રે આગળ વધવાનું છે, જેના માટે શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવશે.

ધારાસભ્યશ્રીએ છોટાઉદેપુર જિલ્લો તમામ ક્ષેત્રે આગળ આવે તે માટે આપણે સૌએ પ્રયત્નશીલ બનવું પડશે તેમ જણાવીને આગામી સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં શાળાઓના ઓરડાઓ, શિક્ષકોની ઘટ, નવી કોલેજો, સ્પોર્ટ્સ સંકુલ, લાયબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા-તાલુકા કક્ષાના શિક્ષકોને પુરસ્કૃત સન્માનિત કરવામાં આવ્યા હતા તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત શિક્ષકો પૈકી અશોકભાઈ પટેલ અને નટવરસિંહ ચૌહાણે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જશવંત પરમારે આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા, અગ્રણીશ્રીઓ, વિવિધ શિક્ષણ સંઘના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યમાં શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષકો દેશના ભવિષ્યના નિર્માણના પાયાના પથ્થરો : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ *** છોટાઉદેપુરના દરબાર હોલ...
Posted by Info Chhotaudepur GoG on Thursday, September 5, 2024
Comments
Post a Comment