AHWA DANG NEWS : આહવા ખાતે યોજાયો 'શિક્ષક દિન' : શ્રેષ્ઠ શિક્ષકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓનુ કરાયુ બહુમાન
AHWA DANG NEWS : આહવા ખાતે યોજાયો 'શિક્ષક દિન' : શ્રેષ્ઠ શિક્ષકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓનુ કરાયુ બહુમાન
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૫: દરેક વ્યક્તિની સફળતા પાછળ એક શિક્ષકનો બહુમૂલ્ય ફાળો હોય છે તેમ જણાવતા, ડાંગના ધારાસભ્ય-વ-વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, ગુરૂજનોને વંદન કરીને ‘શિક્ષક દિન’ની ઉજવણીનો ઉદ્દેશ સ્પસ્ટ કર્યો હતો.
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન કવનનો ઉલ્લેખ કરીને, એક શિક્ષકની ભૂમિકાને ગૌરવ બક્ષતા તેમના કાર્યોમાંથી પ્રેરણા લેવાની અપીલ કરતા શ્રી પટેલે, ‘શિક્ષક’ અને ‘સડક’ મુસાફરને તેની મંઝિલ સુધી પહોંચાડવાનું કામ કરે છે તેમ જણાવ્યું હતું.શ્રી વિજયભાઈ પટેલે, જીવનને સાચા માર્ગે વાળવામાં શિક્ષકોનો ફાળો ખૂબ જ મોટો છે તેમ કહ્યું હતું.
ડાંગ જિલ્લાના 'શિક્ષક દિવસ' ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓનુ બહુમાન કર્યા બાદ પોતાના અધ્યક્ષીય વક્તવ્યમા નાયબ મુખ્ય દંડકશ્રીએ, શિક્ષકોનું ઋણ કયારેય ચૂકવી શકાતું નથી તેમ જણાવી, બાળકના સ્વપ્નને પાંખો પ્રદાન કરીને તેને તેની મંઝિલ સુધી પહોચાડવામાં શિક્ષકોનો સિંહફાળો હોય છે તેમ જણાવ્યુ હતું. સન્માનપાત્ર શિક્ષકોને અભિનંદન પાઠવતા ધારાસભ્યશ્રીએ, ડાંગના બાળકોને ઉત્તમ શિક્ષણ આપનારા શિક્ષકોની કર્તવ્ય ભાવનાને પણ આ વેળા બિરદાવી હતી. ઉત્તરોત્તર જિલ્લાના પરિણામોમા આવી રહેલો સુધારો, એ શિક્ષણ ક્ષેત્રે આવેલા બદલાવનું પરિણામ છે તેમ જણાવતા શ્રી પટેલે શિક્ષણ વિભાગ, સિક્ષક સંઘ, અને જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસોથી, શિક્ષણ ક્ષેત્રના સર્વાગીણ વિકાસની નેમ વ્યક્ત કરી હતી.
ધારાસભ્યશ્રીએ, રાજય પારિતોષિક વિજેતા શિક્ષિકા શ્રીમતિ બીજુબાલા પટેલની સફળતાની પણ સરાહના કરી હતી. સમાજને પ્રેરણા પૂરી પાડતા શિક્ષકોને શિસ્ત અને ચારિત્ર્ય બાબતે સતત સજાગતા રાખવા સાથે સમાજને પ્રેરણા પૂરી પાડવાની હિમાયત કરી હતી. દરમિયાન દેશ સમસ્તમાં શરૂ થયેલા 'જળસંચય જનભાગીદારી અભિયાન' નો ખ્યાલ આપી, શાળા કક્ષાએ પણ, જળ સંચયના કામોને પ્રાધાન્ય આપવાની હાંકલ શ્રી વિજયભાઈ પટેલે આ વેળા કરી હતી
સન્માનિત શિક્ષકોને તેમની સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈને શિક્ષકોનુ માહાત્મ્ય સ્પસ્ટ કરતા, આ ગૌરવરૂપ ક્ષણના સાક્ષી બનવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસને યાદગાર બનાવતા “શિક્ષક દિન”ની ભૂમિકા સ્પસ્ટ કરતા, ડાંગ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતિ બીબીબેન ચૌધરીએ, સૌને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી.
‘માસ્તર’ એટલે ‘મા’ ના ‘સ્તર’ ની પૂજનીય વ્યક્તિ એવી યથાર્થ અભિવ્યક્તિ કરતા, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે, તાલુકા/જિલ્લા અને રાજ્ય પરિતોષિક બાદ, હવે રાષ્ટ્રીય ક્ક્ષાએ પણ શિક્ષણ ક્ષેત્રે ડાંગનું નામ રોશન થાય, તેવા સામૂહિક પ્રયાસોની હિમાયત કરી હતી. પોતાના પ્રાસંગિક વક્તવ્યમા સન્માનિત ગુરૂજનો તથા તેજસ્વી વિધાર્થીઓને અભિનંદન પાઠવતા કલેકટરશ્રીએ, સમાજ સમગ્ર શિક્ષકો પ્રતિ ખૂબ જ આશાભરી મીટ માંડીને બેઠો છે. ત્યારે ગુરુવર્ય પણ તેની કસોટીમા ખરા ઉતરે તે જરૂરી છે તેમ જણાવ્યુ હતું.
દરમિયાન જિલ્લા ક્ક્ષાના ચાર અને તાલુકા ક્ક્ષાના પાંચ ગુરૂજનોનું મહાનુભાવોના હસ્તે અદકેરૂ સન્માન કરાયુ હતુ. ગુરૂજનો ઉપરાંત આહવાના ‘શિક્ષક દિન’ નિમિતે કોમન એંટ્રન્સ ટેસ્ટમાં પ્રથમ ત્રણ ક્રમે આવનારા વિધાર્થીઓ, મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાના પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનારા વિધાર્થીઓ, ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ઝોન ક્ક્ષાએ પ્રથમ ક્રમે આવનારા વિધાર્થી, તથા ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ (નોન ક્લેરિકલ) કર્મચારી મંડળ દ્વારા, જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિધાર્થીઓને પુરસ્કૃત કરાયા હતા.
આ અવસરે ડાંગ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત જિલ્લાને મળેલા “રાજ્ય પરિતોષિક” વિજેતા શિક્ષિકા શ્રીમતિ બીજુબાલા પટેલના યોગદાનની પ્રશંસા કરી, મહાનુભાવોએ તેમની કર્તવ્ય ભાવનાની સરાહના કરી હતી.
કાર્યક્રમના ભાગરૂપે શાળાની વિધાર્થીનીઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરી વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જિગ્નેશ ત્રિવેદીએ, મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યાન્તે સરકારી માધ્યમિક શાળા-ચિકારના આચાર્ય શ્રી વી.ડી.દેશમુખે આભાર વિધિ આટોપી હતી. ઉદઘોષક તરીકે સર્વશ્રી વિજયભાઇ ખાંભુ, સંદીપ પટેલ, અને અસ્મિતા બારોટે સેવા આપી હતી.
ડાંગ જિલ્લાના 'શિક્ષક દિવસ' કાર્યક્રમમા ગુજરાત શિક્ષણ સેવા (વર્ગ-૨) સંગઠનના સભ્ય શ્રી પ્રજેશ ટંડેલ, બીનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રમુખ શ્રી ખુશાલભાઈ વસાવા, ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ ગાવિત, મહામંત્રી શ્રી ચિંતન પટેલ, પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘનાં અધ્યક્ષ શ્રી હરેશભાઇ ભોયે, મહામંત્રી શ્રી અનિલભાઈ વાઘ, માજી પ્રમુખ શ્રી મધુભાઈ વળવી સહિત સન્માનપત્ર ગુરૂજનો, તેજસ્વી વિદ્યાર્થીઓ, અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા સમાજ શ્રેષ્ઠીઓ, મીડિયાકર્મીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આહવા ખાતે યોજાયો 'શિક્ષક દિન' : શ્રેષ્ઠ શિક્ષકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓનુ કરાયુ બહુમાન - (ડાંગ માહિતી બ્યુરો): આહવા:...
Posted by Info Dang GoG on Thursday, September 5, 2024
Comments
Post a Comment