ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી

     ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી 


મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની બ્રિફિંગ મીટિંગનું જીવંત પ્રસારણ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સૌએ  નિહાળ્યું 

ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં કુલ ૬૪૦૭૨ વિદ્યાર્થીઓને આંગણવાડીથી લઈને ધો. ૧૧ સુધીમાં પ્રવેશ અપાશે 

તા. ૨૬ થી ૨૮ સુધી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓ ખૂંદી વળશે 

પ્રવેશોત્સવમાં વધુમાં વધુ વાલી અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ જરૂરીઃ જિલ્લા કલેકટરશ્રી

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન 

સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂનના રોજ ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની...’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ નો શુભારંભ થનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બ્રિફિંગ મીટિંગનું આયોજન થયું હતું. જેમાં વલસાડ જિલ્લો પણ સહભાગી બનતા જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સંબંધિત વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જીવંત પ્રસારણ નિહાળી વલસાડ જિલ્લામાં ૬૪૦૭૨ વિદ્યાર્થીઓ માટે યોજાનાર ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી.  

 જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણીની રૂપરેખા આપતા જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૯૩ રૂટ પર આવેલી કુલ ૮૮૬ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉજવાશે. સવારે ૮ થી ૯-૩૦ પ્રથમ પ્રાથમિક શાળા, સવારે ૧૦ થી ૧૧-૩૦ સુધી બીજી પ્રાથમિક શાળા અને બપોરે ૧૨ થી ૧૩-૩૦ સુધી ત્રીજી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાશે. એક શાળામાં દોઢ કલાકનો કાર્યક્રમ રહેશે. આ ૩ દિવસ દરમિયાન રાજ્ય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવાશે. જિલ્લામાં પ્રવેશોત્સવ ખરા અર્થમાં સાર્થક થાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશપાત્ર બાળકોના સર્વે અને નામાંકન તેમજ શાળામાં સ્વચ્છતા અને વ્યવસ્થાનું આયોજન કરી દેવાયું છે. શાળા વ્યવસ્થાપન સમિતિનો સહયોગ પણ આ ઉજવણીમાં મહત્વનો રહેશે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ પ્રવેશોત્સવ વખતે પ્રથમ હપ્તો મળે તેવુ આયોજન, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સહાય, સરકારી પ્રાથમિક શાળાઓની કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત અને પાત્રતા ધરાવતા બાળકોને આંગણવાડી, બાલવાટિકા, ધો. ૧, ધો. ૯ અને ધો. ૧૧માં પ્રવેશ અને નામાંકન કરવાનું રહેશે.       


જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં અધિકારીઓને સૂચન કરતા જણાવ્યું કે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં વધુમાં વધુ વાલીઓ અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ કરવા જરૂરી છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી આપણી છે. શિક્ષણ જીવનનો મજબૂત આધાર છે. જેના થકી વ્યકિતના જીવનનું અને સમાજનું તેમજ રાષ્ટ્રનું ઘડતર થતું હોય છે.   

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ શાળા પ્રવેશોત્સવની ઉજવણી અને વિદ્યાર્થિનીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેતનભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, કલગામ એસઆરપીના સેનાપતિ અભિષેક ગુપ્તા (આઈપીએસ), વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારી સર્વશ્રી આસ્થા સોલંકી, અંકિત ગોહિલ અને અમિત ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

બોક્ષ મેટર 

હવે ધો. ૯ અને ૧૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પણ પ્રવેશોત્સવ મનાવાશે

સામાન્ય રીતે આંગણવાડી, બાલવાટિકા અને ધો. ૧માં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાંઓનો પ્રવેશોત્સવ ઉજવાતો હોય છે. પરંતુ ડ્રોપ આઉટ રેશિયો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી નવી પહેલ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪નો પ્રવેશોત્સવ હવે માત્ર ભૂલકાંઓ પૂરતો જ સીમિત નથી રહ્યો પરંતુ ધો. ૮માંથી ધો. ૯માં પ્રવેશ મેળવનાર અને ધો. ૧૦ માંથી ધો. ૧૧માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે ધો. ૮ અથવા તો ધો. ૧૦ બાદ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ લેતા હોવાનું ધ્યાને આવતા આ પહેલ કરવામાં આવી છે. જેથી ધો. ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શકાય. 

બોક્ષ મેટર 

જિલ્લામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા 

વિદ્યાર્થી સંખ્યા 

આંગણવાડી પ્રવેશપાત્ર ૧૮૦૫

બાલવાટિકા પ્રવેશપાત્ર ૧૩૭૨૬

ધો. ૧ માં નવા પ્રવેશપાત્ર ૮૩૪

ધો. ૧ માં પ્રવેશપાત્ર  ૨૩૧૮૩

ધો. ૨ થી ૧૨માં પુનઃ પ્રવેશપાત્ર ૭૦

ધો. ૯માં પ્રવેશપાત્ર  ૧૫૧૮૩

ધો. ૧૧ માં પ્રવેશપાત્ર  ૯૨૭૧  

કુલ ૬૪૦૭૨ 


ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી ----...

Posted by INFO Valsad GOV on Monday, June 24, 2024

Comments

Popular posts from this blog

ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.